Anantray Raval
2 Books / Date of Birth:- 01-01-1912 / Date of Death:- 18-11-198
અનંતરાય મણિશંકર રાવળ  : વિવેચક, સંપાદક. જન્મ મોસાળ અમરેલીમાં. વતન સૌરાષ્ટ્રનું વલ્લભીપુર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૮માં મૅટ્રિક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૩૨માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોમાં એમ.એ. દરમિયાન ૧૯૩૨ થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો રહ્યા પછી મુંબઈમાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે ત્રણેક માસ કામ કર્યું. ઑગસ્ટ ૧૯૩૪ થી અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. એ પછી જામનગરની ડી. કે. વી. કૉલેજમાં દોઢેક વર્ષ આચાર્ય. ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. ૧૯૭૦માં ભાષાનિયામકપદેથી નિવૃત્ત. નિવૃત્તિ પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાદ્યાપક તરીકે નિમાયા અને સાડા છ વર્ષ એ સ્થાને કામગીરી બજાવી, ૧૯૭૭માં ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષપદેશી નિવૃત્ત. ત્યારબાદ એમણે ગુજરાત સરકારના લૉ કમિશનમાં સભ્ય તરીકે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના, વડોદરામાં ૧૯૮૦માં મળેલા ત્રીસમાં  અધિવેશનના બિનહરીફ પ્રમુખ. ૧૯૫૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૪નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ. એમનો પ્રથમ વિવેચનસંગ્રહ ‘સાહિત્યવિહાર’ ૧૯૪૬માં પ્રગટ થયેલો; તે પછી અનુક્રમે ‘ગંધાક્ષત’ (૧૯૪૯), ‘સાહિત્યવિવેક’ (૧૯૫૮), ‘સાહીત્યનિકષ’ (૧૯૫૮), ‘સમીક્ષા’ (૧૯૬૨), ‘સમાલોચના’ (૧૯૬૬), ‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭), ‘તારતમ્ય’ (૧૯૭૧), ‘ઉન્મીલન’ (૧૯૭૪) પ્રગટ થયા.  ગુજરાત સાહિત્ય સભા માટે એમણે ૧૯૩૭, ૧૯૪૫, ૧૯૪૬, ૧૯૪૭ ની વાર્ષિક વાઙમયસમીક્ષાનું કાર્ય કરેલું. આ ચારેય વાર્ષિક સમીક્ષાઓ ‘ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૬૭)માં પ્રગટ થઈ છે. ‘કવિવર્ય ન્હાનાલાલ’ (૧૯૮૫)માં એમનો કવિ ન્હાનાલાલ પરનો સર્વગ્રાહી અભ્યાસ છે. સંપાદક તરીકેની એમની કામગીરી પણ ખાસ ઉલ્લેખનીય છે. ‘બોટાદકરની કાવ્યસરિતા’ (૧૯૫૬), ‘ન્હાનાલાલ મધુકોશ’ (૧૯૫૯), ‘નળાખ્યાન’ (૧૯૬૦), ‘ગુજરાતનો એકાંકીસંગ્રહ’ (૧૯૬૦), ‘સ્નેહમુદ્રા’ (૧૯૬૦), ‘મદનમોહના’ (૧૯૬૬), ‘કલાપીનો કાવ્યકલાપ’ (૧૯૭૪), ‘ચૂનીલાલ વ. શાહની શ્રેષ્ઠ વાર્તાઓ’ વગેરે એમનાં મહત્વનાં સંપાદનો છે. એમનાં સહસંપાદનોમાં ‘બુદ્ધિપ્રકાશ-લેખસંગ્રહ’- ભા. ૧-૨, પ્રેમાનંદ કૃત ‘ચંદ્રહાસાખ્યાન’, ‘રમણલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘કવિશ્રી ન્હાનાલાલ સ્મારકગ્રંથ’, ‘મનસુખલાલ ઝવેરીની કાવ્યસુષમા’, ‘કરસનદાસ માણેકની અક્ષર આરાધના’, ‘કાલેલકર અધ્યયનગ્રંથ’, ‘સરકારી વાચનમાળા’ : ૧-૪, ‘દી. બ. નર્મદાશંકર મહેતા સ્મારકગ્રંથ’ વગેરે મુખ્ય છે. ર. વ. દેસાઈકૃત નવલકથા ‘ગ્રામલક્ષ્મી’નો સંક્ષેપ પણ એમણે કર્યો છે; સાહિત્ય અકાદમી માટે ‘સાહિત્યચર્ચા’ (૧૯૮૧)નું સંપાદન કર્યું છે; ૧૯૮૪માં ‘નરસિંહ મહેતાનાં પદો’નું પણ સંપાદન કર્યું છે. આ સંપાદનો નિમિત્તે એમણે વિસ્તૃત પ્રવેશકો લખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે બહાર પાડેલ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ચોથા ભાગનું સંપાદન એમણે ઉમાશંકર જોશી વગેરે સાથે કર્યું છે. આ ઉપરાંત એમણે વિશ્વનાથ મ. ભટ્ટની સાથે ‘ટોલ્સટોયની નવલિકાઓ’નો અનુવાદ કર્યો છે તથા જે. ડી. પાઠક સાથે ‘આહારવિજ્ઞાન’ નામનું પુસ્તક લખ્યું છે. એમણે ‘ચા ઘર’ (૧૯૪૪)માં વાર્તાઓ આપી છે

Showing all 2 results