Anirudhha Brahmbhatt
1 Book / Date of Birth:- 11-11-1935 / Date of Death:- 31-07-1981
બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ લાલજી  વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ પાટણમાં. શાળાશિક્ષણ વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯ થી ડભોઈની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૮ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ના તંત્રી. પ્રભાવક વકતા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન. ‘ઋષિવાણી’ (૧૯૮૨) એ ‘અખંડ આનંદ’માં ઉપનિષદના સૂત્રને લઈને ‘પાર્થ’ ઉપનામથી એમણે લખેલી લેખમાળા છે. એમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનને સામાન્ય જનસમાજ માટે સુબોધ કરી આપવાનું વલણ છે. આ ઉપરાંત ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૬૯), ‘મણિશંકર ભટ્ટ-કાંત’ (૧૯૭૧), ‘રમણભાઈ નીલકંઠ’ (૧૯૭૩) તે તે સર્જક પરની તેમ જ ‘કાન્તા’ (૧૯૭૩), ‘સુદામાચરિત્ર’ (૧૯૭૫), ‘પ્રેમાનંદકૃત કુંવરબાઈનું મામેરું’ (૧૯૮૨) તે તે કૃતિ પરની એમની સંપાદિત સ્વાધ્યાયશ્રેણીઓ નોંધપાત્ર છે. તો, ‘જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૭૧), ‘નાટક વિશે જયંતી દલાલ’ (૧૯૭૪), ‘પતીલનાં ચૂંટેલા કાવ્યો’ (૧૯૭૪), ‘સંવાદ’ (૧૯૭૪), ‘ગુજરાતી વાર્તાઓ’ (૧૯૭૭), ‘ઍબ્સર્ડ’ (૧૯૭૭) એમનાં પોતાનાં અને અન્ય સાથેનાં સંપાદનો છે

Showing the single result