Bhavesh Upadhyay
6 Books / Date of Birth:- 28-06-1971
“BU”ના હુલામણા નામે ઓળખાતું વ્યક્તિત્વ એટલે ભાવેશ ઉપાધ્યાય. નાની ઉંમરથી જ સાહસિકવૃત્તિ અને કલગીમાં પીંછા ઉમેરવાની આદતે સફળતાનાં અનેક શિખરો સર કરાવ્યાં છતાં પોતાની `કોમન મેન'ની ઓળખને બચાવી શક્યા એ તેમના જીવનનું ખૂબ જ મહત્ત્વનું પાસું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના અંબાજીના ધામ ખેડબ્રહ્મા નજીકના રાધીવાડ ગામે જન્મ અને બાળપણ ત્યાં જ વીત્યું. પિતા પોપટલાલ ઉપાધ્યાય સંદેશાવ્યવહાર ખાતામાં નોકરી કરતા અને માતા સવિતાબહેન સ્કૂલમાં શિક્ષિકા હતાં. માતા-પિતાનો સરળ સ્વભાવ લેખકને ગળથૂથીમાં પ્રાપ્ત થયો. આજે તેઓ પોતાની પ્રૉફેશનલ કરિયરમાં તેમજ વર્તુળમાં સરળતાના ચુસ્ત આગ્રહી તરીકે ઓળખાય છે, જે તેમનાં માતા-પિતાના આશીર્વાદનું જ પરિણામ છે. શાળાનું શિક્ષણ ખેડબ્રહ્મામાં લીધા પછી અમદાવાદ આવ્યા. બસ, અહીંથી જીવનના ખરા સંઘર્ષની શરૂઆત થઈ. કૅમિસ્ટ્રી સાથે B.Sc. થયા. વાંચન અને અભિવ્યક્તિની કળા તેમને પત્રકારત્વ અને પબ્લિક રિલેશન તરફ લઈ ગઈ. તેમણે નવગુજરાત કૉલેજમાંથી જર્નાલિઝમ અને પબ્લિક રિલેશન્સનો પૉસ્ટ ગ્રૅજ્યુએટ ડિપ્લોમા પૂર્ણ કર્યો અને કારકિર્દીની શરૂઆત કરી. જાણીતી ફાર્માસ્યુટિકલ્સ કંપની કેડિલા સાથે જોડાયા અને પોતાના રસનો વિષય પબ્લિક રિલેશન્સમાં કામ કરવાનું શરૂ કર્યું. અહીંથી તેમની કારકિર્દીની ઇમારત ઘડાવા લાગી. તેઓ સંબંધોનો પર્યાય ગણાવા લાગ્યા અને સમાજના અનેક વર્ગના લોકો સાથે તેમણે પરિચય કેળવ્યો. આજ સમયે તેમણે પોતાની પ્રૉફેશનલ કરિયરને થોડોક વળાંક આપ્યો. આજના સમયે ઔદ્યોગિક જૂથો તેમજ કૉર્પોરેટ હાઉસમાં જેનું સૌથી વધુ મહત્ત્વ છે એવા હ્યુમન રિસોર્સિસ તરફ તેમણે નજર દોડાવી. આ ચૅન્જ સાથે જ તેમની કારકિર્દી સોળે કળાએ ખીલી ઊઠી. સાથે-સાથે તેમણે જાણીતી સિમબાયોસિસ ઇન્સ્ટિટ્યૂટમાંથી MBA-HR પૂરું કર્યું. તેઓ HR ફંક્શનને બિઝનેસ ડેવલપમૅન્ટ સાથે સાંકળીને ગોલ ઍચિવ કરવામાં માહિર છે. તેમની ખાસિયત એ છે કે તેમણે જ્યાં જ્યાં કામ કર્યું તેવા ઔદ્યોગિક જૂથો જેવાં કે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, દોશિઓન, શેલ્બી હૉસ્પિટલ્સ અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સમાં બિઝનેસને સમજીને હંમેશાં વૅલ્યુ ઍડિશન કરી છે. તેમણે કર્મચારીઓની ખાસિયતને પારખીને ઑર્ગેનાઇઝેશનના વિકાસમાં શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. તેઓ IIM-ઈન્દોર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ, નિરમા યુનિવર્સિટી, પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા, હ્યુમન રિસોર્સિસ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ અને `દિવ્ય ભાસ્કર' અખબાર સાથે એક યા બીજી રીતે સંકળાયેલા છે. તેમને એશિયા-પેસિફિક કૉંગ્રેસનો શ્રેષ્ઠ ટ્રેનિંગ માટેનો ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયો છે. નાની ઉંમરે સફળતાનાં શિખરો સર કરવા માટે સૌથી વધુ સાથ તેમનાં પત્ની જીજ્ઞાબહેનનો રહ્યો છે. ભાવેશભાઈના જીવનની તડકી-છાંયડીનાં તેઓ સરખેસરખા ભાગીદાર રહ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી સફળતાના શિખર સુધી પહોંચવાનો જીવનમંત્ર આપણે લેખક પાસેથી શીખવો પડશે. તેમનો પુત્ર રાજ હાલમાં એન્જિનિયરિંગમાં ઉજ્જ્વળ કારકિર્દી ઘડી રહ્યો છે. ભાવેશ ઉપાધ્યાય હાલમાં ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિ. માં ઍક્ઝિક્યુટિવ વાઇસ પ્રૅસિડન્ટ, HR તરીકે કાર્યરત છે. તેઓ સારા લેખક છે અને `દિવ્ય ભાસ્કર' અખબારમાં દર સોમવારે બિઝનેસ મૅનેજમૅન્ટ વિષે કોલમ લખે છે. તેમનાં લેખનની વિશિષ્ટ કળા જાણીતા લેખકો યશવંત મહેતા અને કુમારપાળ દેસાઈના આશીર્વાદની દેન છે.