Bimal Mitra
1 Book / Date of Birth:- 18-03-1912 / Date of Death:- 02-12-1991
કલકત્તાના એક પરામાં મધ્યમ વર્ગના સાધારણ સ્થિતિના એક કુટુંબમાં જન્મ . નાનપણમાં સહુની ઉવેખના પામેલ બિમલબાબુને પ્રોત્સાહનનો એક શબ્દ તો ક્યારેય ન સાંપડયો પરંતુ અવગણનાના શબ્દો જ અવારનવાર કાને પડતાં કે ‘તું કંઈ નહિ કરી શકે’ _ ‘તારાથી ખાસ કંઈ જ નહિ થાય’. પણ કદાચ એ જ શબ્દોએ એમને ચાનક ચડાવી. 1938માં કલકત્તા યુનિવર્સિટીમાં એમ. એ. થયા પછી રેલ્વેમાં નોકરીની શરૂઆત. રેલ્વેના જુદા જુદા વિભાગોમાં કામ કરતા આખરે લાંચરુશ્વત વિરોધી તપાસની કાર્યવાહીમાં જવાબદારીભર્યું પદ સંભાળ્યું. આ અંગે આખુંયે હિન્દ ફરી વળવાનું અને જાતજાતના માનવીઓના પરિચયમાં આવવાનું બન્યું. જે તેમના સાહિત્યસર્જન માટે અત્યંત ઉપયોગી થયું. લેખનની શરૂઆત એમણે સર્વત્ર થાય છે તેમ કાવ્ય-લેખનથી જ કરી હતી, પણ પદ્ય કરતાં ગદ્યમાં વધુ નક્કર ભૂમિ જણાતા પછી એમણે વાર્તા-નવલકથા લેખન શરૂ કર્યું. 1956માં રેલ્વેની નોકરીનું રાજીનામું આપી જીવન વ્યવસાય લેખે લેખનને જ અપનાવ્યું. એમણે કેટલીક સફળ નવલકથાઓ ઉપરાંત લગભગ બસો જેટલી ટૂંકી વાર્તાઓ પણ લખી છે. પરંતુ એમને સાચો યશ અપાવ્યો રેલ્વેની નાઇટ ડયુટીની નોકરી દરમિયાન લખાયેલ અને ‘દેશ’માં ચાલુ વાર્તા તરીકે પ્રગટ થતી એમની કૃતિ ‘સાહેબ-બીબી-ગુલામે’. 1953ના સપ્ટેમ્બરમાં એ પુસ્તકાકારે પ્રગટ થતાં એક જ દિવસમાં સફળ નવલકથાકાર તરીકે એમનું નામ વિખ્યાત બની ગયું. ‘સાહેબ-બીબી-ગુલામ' ઘણાંની દૃષ્ટિએ વીસમી સદીની એક ‘ક્લાસીક' નવલકથા છે જેમાં બ્રિટિશરોનાં 250 વર્ષના અમલ દરમિયાન ભારતીય સમાજે કરેલી ઉત્ક્રાંતિની કથા આલેખવામાં આવી છે. બંગાળીમાં એની ચૌદ આવૃત્તિ થઈ ચૂકી છે : ઉપરાંત એનો અનુવાદ હિન્દી, ઉડિયા, કન્નડમાં પ્રગટ થઈ ચૂક્યો છે _ અંગ્રેજી અનુવાદ યુ. કે.માં પ્રગટ થવાની તૈયારીમાં છે. એમની ત્રણ મહાન નવલકથાઓમાં ‘સાહેબ-બીબી-ગુલામ’ પહેલી છે, જેમાં હિન્દમાં બ્રિટિશ સામ્રાજ્યના પ્રારંભથી રાજધાની કલકત્તાથી દિલ્હી ફેરવાઈ ત્યાં સુધીના સમયનું ચિત્ર છે. તે પછીની કૃતિ ‘કોડિ દિયે કિનલામ'માં 1912થી 1947ની 15મી ઑગષ્ટ સુધીના સમયનું અને તે પછી ત્રીજી કૃતિ - ‘એકક દશક શતક'માં 15 ઑગષ્ટ 1947થી 1962માં થયેલ ચીની આક્રમણના પ્રારંભ સુધીના સમયનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ નવલકથાકાર તરીકે 1962માં વિખ્યાત બંગાળી દૈનિક ‘યુગાન્તર'નું ‘યુગાન્તર પરિતોષિક' તથા 1964માં બંગાળનું ‘રવીન્દ્ર પારિતોષિક' એમને આપવામાં આવ્યું હતું. ‘સાહેબ-બીબી-ગુલામ' બંગાળી અને હિન્દી ભાષામાં સફળ ફિલ્મ પુરવાર થઈ ચૂકી છે. બંગાળીમાં એ નાટકરૂપે અવારનવાર ભજવાતું રહે છે. 1958/60ના અરસામાં એક રાત્રે અચાનક એક સજ્જન એમને ઘેર આવી ચડયા. એણે વિનંતિ કરી કે - ‘અમારા એક સ્વજન મૃત્યુ-પથારીએ છે, તમને મળવાનું એને ખૂબ જ મન છે તો કૃપા કરીને મારી સાથે આવશો ?' આ પ્રકારની વિનંતિને - મરતા માણસની ઇચ્છાને માન આપવા બિમલબાબુ એ સજ્જનની સાથે છેક શિવપુર ગયા. જઈને જોયું તો બીમારની એક બાજુએ ગીતા-ઉપનિષદ્ વગેરે ધર્મગ્રંથો અને નારાયણની એક મૂર્તિ પડી છે અને બીજી બાજુ દવા વગેરેની સાથે ‘સાહેબ-બીબી-ગુલામ’ની એક પ્રત પણ છે, જેમાં લગભગ બસોએક જેટલે સ્થળે ટાંચણો કરેલાં છે. પાંચ-છ વર્ષ ઉપર પત્ની તરફથી સા.બી.ગુ. વાંચી જવા આગ્રહ થતાં ‘નવલકથામાં તે શું વાંચવું ?’ એમ કહી પુસ્તક ફેંકી દેનાર પુરુષે માંદગી દરમિયાન એ વાંચ્યું ત્યારે તે ચમકી જ ગયો હતો અને લેખકને મળવા ઝંખતો હતો.

Showing the single result