ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે. ૧૯૮૬માં તેમના પુસ્તક ધૂળમાંની પગલીઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
તેમનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે થયો હતો. તેમના કુટુંબનું મૂળ ગામ ખેડાનું ઠાસરા ગામ છે. ૧૯૫૪માં તેમણે મેટ્રિક, ૧૯૫૮માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૭૯માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. કર્યું, જેનો વિષય ઉમાશંકર જોશી હતો.
૧૯૬૧-૬૨ દરમિયાન તેઓ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યતા રહ્યા હતા. તેમણે ગુજરાતની વિવિધ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેઓ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભ્ય છે.