Jayanti Dalal
2 Books / Date of Birth:- 18-11-1909 / Date of Death:- 24-08-1970
જયંતિ દલાલ ગુજરાતી સાહિત્યકાર, સ્વાતંત્ર્યસેનાની અને સમાજ સુધારક હતા. લીયો ટૉલસ્ટૉયના પ્રખ્યાત પુસ્તક WAR and PEACEનો તેમણે કરેલ ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ એ તેમને અનન્ય પ્રસિદ્ધિ અપાવી હતી. તેઓના ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.જયંતી ઘેલાભાઈ દલાલ , ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’: નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પિતા ઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ ના સંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે, એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ-અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડયો. એ વખતથી આરંભાયેલી એમની રાજ્કીય કારકિર્દી, ૧૯૫૬ માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે શિખરસ્થાને પહોંચી અને ૧૯૬૨ માં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજ્કીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત એક સમાજવાદી વિચારકરૂપે, છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિંદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદાજુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. ‘રેખા’ (૧૯૩૯-૪૦) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિના સામયિકોનું સંપાદન કર્યુ. ‘ગતિ’ સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’ દૈનિક એ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દ્રશ્યકલાની શક્યતાઓ પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં એમની નોંધપાત્ર સેવા તો સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. અમદાવાદમાં અવસાન.વાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જકશક્તિવાળા લેખક હતા. ૧૯૪૧ થી ૧૯૬૮ સુધી વાર્તાસર્જન કરી ‘ઉત્તરા’ (૧૯૪૪), ‘જૂજવાં’ (૧૯૫૦), ‘કથરોટમાં ગંગા’ (૧૯૫૦), ‘મુકમ્ કરોતિ’ (૧૯૫૩), ‘આ ઘેર, પેલે ઘેર’ (૧૯૫૬), ‘અડખેપડખે’ (૧૯૬૪) અને ‘યુધિષ્ઠિર ?’ (૧૯૬૮) એ સાત સંગ્રહોમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ વાર્તાઓ પસંદ કરીને એમણે પોતે ‘ઈષત્’ (૧૯૬૩) નામનો સંગ્રહ સંપાદિત કરેલો.એમની બે નવલકથાઓ પૈકી પહેલી ‘ધીમુ અને વિભા’ (૧૯૪૩) બુદ્ધિનિષ્ઠ જીવનદ્રષ્ટિવાળા નાયકના દ્વિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ-કથનની પદ્ધતિએ નિરૂપતી કરુણાન્ત કથા છે. બીજી ‘પાદરનાં તીરથ’ (૧૯૪૬) નિર્દય પોલીસદમનનો ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદનને તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્યો વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે.એમની અભ્યાસી અનુવાદક તરીકેની કામગીરી પણ નોંધપાત્ર છે. જયૉર્જ ઓરવેલની ‘ધ એનિમલ ફાર્મ’, ટૉલ્સ્ટોયની ‘વૉર એન્ડ પીસ’, ચાર્લ ડિકન્સની ‘ગ્રેટ ઍક્સપેકટેશન્સ’ એ નવલકથાઓના અનુવાદો અનુક્રમે ‘પશુરાજ્ય’ (૧૯૪૭), ‘યુદ્ધ અને શાંતિ’- ભા.૧-૪ (૧૯૫૪-૫૬) અને ‘આશા બહુ લાંબી’ (૧૯૬૪); તેમ જ ગ્રીક નાટ્યકાર એસ્કાઈલસનું નાટક ‘ઍગેમેમ્નોન’ (૧૯૬૩) તથા અન્ય નાટકો અને કેટલાંક જીવનચરિત્રો એમ કુલ બેતાલીસ પુસ્તકોના અનુવાદ આપીને એમણે સાતત્યથી તેમ જ પૂરી ચીવટ અને નિષ્ઠાથી, જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને ગુજરાતીભાષાઓ માટે સુલભ બનાવી છે.

Showing all 2 results