Joseph Murphy (Dr.)
3 Books / Date of Birth:- 20-05-1898 / Date of Death:- 16-12-1981
જૉસેફ મર્ફીનો જન્મ આયર્લેન્ડના કાઉન્ટી ઑફ કોર્ક નામના શહેરમાં થયો હતો. તેઓ 20 વર્ષના થયા તે પહેલા જ જીસસમાં માનતા લોકોની કેથોલિક રૂઢિઓ અંગે તેમણે પ્રશ્નો કરવાના શરૂ કરી દીધા હતા અને તેઓએ સેમિનરી છોડી દીધી હતી. તેમનું ધ્યેય નવા વિચારો અને નવા અનુભવો મેળવવાનું હતું અને એ ધ્યેય કેથોલિક આધિપત્યવાળા આયર્લૅન્ડમાં સિદ્ધ થઈ શકે તેમ ન હોવાથી તેઓ પોતાના પરિવારને છોડી અમેરિકા જવા રવાના થઈ ગયા હતા.તેઓનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન નબળું હતું, કારણ કે તેમના ઘરમાં અને શાળામાં ગેલિક ભાષાનું ચલણ હતું, તેથી ઘણા આઇરીશ હિજરતીઓની જેમ મર્ફીએ પણ દૈનિક મજૂર (રોજમદાર) તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં સામેલ થયું ત્યારે મર્ફી અમેરિકન લશ્કરી સેવામાં જોડાઈ ગયા હતા અને મૅડિકલ યુનિટમાં ફાર્માસિસ્ટ તરીકે સેવા આપવા લાગ્યા હતા. પોતાના સેના સાથેના જીવન દરમિયાન તેઓને વિવિધ ધર્મો વિશે જાણવાનો રસ જાગ્યો અને વિવિધ ધર્મો અને માન્યતાઓ વિશે ઘણું જ વાંચન કર્યું. સેનામાંથી પાછા ફર્યા પછી તેઓને ફાર્માસિસ્ટના વ્યવસાય તરફ પાછા જવાનું પસંદ પડ્યું નહીં અને તેઓએ મુસાફરી કરવા માંડી અને અમેરિકા તથા બીજા દેશોની યુનિવર્સિટીઓમાં વિવિધ વિષયો ભણવાનું ચાલુ કર્યું.પોતાના આ અધ્યયનોને કારણે તેઓ એશિયાના જુદા જુદા ધર્મોથી પ્રભાવિત થયા અને તેથી તેઓ ભારતમાં ધર્મો અંગેનો ઊંડો અભ્યાસ કરવા આવ્યા. તેમણે પ્રાચીન મહાન ફિલસૂફોથી માંડીને અદ્યતન ફિલસૂફો સુધીનો અભ્યાસ કર્યો.જે એક વ્યક્તિની મર્ફી ઉપર સૌથી વધુ અસર થઈ હતી તે હતા ડૉ. થોમસ ટ્રોવર્ડ જેઓ ન્યાયાધીશ, ફિલસૂફ, ડૉક્ટર અને પ્રોફેસર હતા. તેઓ મર્ફીના વડીલ સલાહકાર બની ગયા. તેઓ પાસેથી મર્ફીએ તત્ત્વજ્ઞાન, ધાર્મિક જ્ઞાન અને કાયદા અંગે જ્ઞાન મેળવ્યું, પણ સાથે સાથે ગૂઢવિદ્યા અને ખાસ કરીને `મેસન' પંથનું પણ જ્ઞાન મેળવ્યું. મર્ફી પોતે `મેસનિક' પંથના સક્રિય સભ્ય થઈ ગયા અને તેમાં વર્ષો સુધી કામ કર્યું અને સ્કૉટીશ વિધિ મુજબ 32મી મેસનિક રેન્ક તેઓએ હાંસલ કરી.તેઓ અમેરિકા પાછા ફર્યા ત્યારે તેમણે ધર્મના મિનિસ્ટર થવાનું પસંદ કર્યું. ખ્રિસ્તી ધર્મની રૂઢિ પ્રણાલી વિશેના તેમના વિચારો જુદા પડતા હતા, આથી તેમણે લૉસ ઍન્જલસમાં પોતાના જ ચર્ચની સ્થાપના કરી. પહેલા તો તેમના ચર્ચને મોળો પ્રતિસાદ સાંપડ્યો, પરંતુ થોડા વખતમાં તેમની અપેક્ષા અને આશાભર્યા સંદેશાઓને લીધે ઘણાં સ્ત્રી-પુરુષો એમના ચર્ચ તરફ આકર્ષાઈને આવવા માંડ્યાં.મર્ફીનું સ્થાનિક ડિવાઇન સાયન્સ ચર્ચ લોકોથી એટલું ઊભરાઈ ગયું કે સિનેમા થિયેટર વિલશાયર એબેલ ભાડે લેવું પડ્યું. તેમનાં ભાષણો સાંભળવા એટલા બધા લોકો આવતા હતા કે આ થિયેટર પણ નાનું પડ્યું. પોતાના બહોળા શ્રોતા વર્ગ સુધી પહોંચવા માટે તેઓએ સાપ્તાહિક રેડિયો શોની શરૂઆત કરી અને પછી તો તેમને લાખો શ્રોતા સાંભળવા માંડ્યા.તેઓએ 30 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમનું ઉત્તમ પુસ્તક ``પાવર ઑફ યૉર સબકોન્શ્યસ માઇન્ડ'' 1963માં પ્રકાશિત થયું હતું અને તરત જ બેસ્ટ સેલર પુસ્તક બની ગયું હતું. દુનિયાની વિવિધ ભાષાઓમાં અનુવાદ થઈને તેની લાખો નકલો વેચાઈ ગઈ છે અને હજી પણ વેચાય છે.
Social Links:-