Kishansinh Chavda
2 Books / Date of Birth:- 17-11-1904 / Date of Death:- 01-12-1979
કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમનું તખલ્લુસ નામ "જિપ્સી" હતું. તેમણે એક મુદ્રણ પ્રેસ શરૂ કર્યો હતો અને લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવી હતી. કિશનસિંહ ચાવડાનો જન્મ ૧૭ વડોદરા ખાતે થયો હતો. તેમનું મૂળ વતન સુરત જિલ્લાના સચીન પાસેનું ભાંજ ગામ હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરાથી લીધું હતું. વધુ અભ્યાસ માટે તેઓ ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં જોડાયા હતા. તેમણે શરૂઆતના સમયમાં ફેલોશીપ કોલેજ, મુંબઈમાં અધ્યાપન કાર્ય પણ કર્યું હતું. તેઓએ કેટલાંક દેશી રાજ્યોના શાસકોના અંગત મદદનીશ તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમણે ૧૯૨૭-૧૯૨૮માં પોંડિચેરી ખાતેના અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યો હતો. ૧૯૪૮માં તેઓ અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે કાર્નેગી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (પિટ્ઝબર્ગ) ખાતે છ માસ સુધી મુદ્રણ સંયંત્ર પ્રબંધન (પ્રિન્ટિગ પ્લાન્ટ મેનેજમેન્ટ)નો અભ્યાસ કર્યો. ત્યાંથી પરત ફર્યા બાદ વડોદરા ખાતે સાધના મુદ્રણાલય નામે એક પ્રિન્ટિગ પ્રેસની સ્થાપના કરી. તેઓએ ક્ષત્રિય માસિકના તંત્રી અને નવજીવન સામયિકના સહતંત્રી તરીકે પણ કામ કર્યું હતું. ૧૯૬૦થી તેઓ અલમોડા પાસેના મિરતોલા આશ્રમમાં સ્થાયી થયા હતા. ૧ ડિસેમ્બર ૧૯૭૯ના રોજ અરવિંદ વ્યાખ્યાનમાળા અંતર્ગત પ્રવચન આપવા દરમિયાન જ વડોદરા ખાતે તેમનું અવસાન થયું હતું. અમાસના તારા (૧૯૫૩) અને જિપ્સીની આંખે (૧૯૬૨) એ તેમના અંગત જીવનપાત્રો અને ઘટનાઓ સંબંધિત સ્મૃતિચિત્રો અને રેખાચિત્રોનો સંગ્રહ છે. હિમાલય ખાતેના તેમના વસવાટના અનુભવો હિમાલયની પદયાત્રા (૧૯૬૪)માં સંગ્રહિત થયેલાં છે. આ પુસ્તકમાં તેમનો હિમાલય પ્રત્યેનો અધ્યાત્મસંબંધ જોવા મળે છે. તારામૈત્રક (૧૯૬૪) એ તેમના ચરિત્રાત્મક લેખોનો સંગ્રહ છે. ૧૯૬૮માં પ્રગટ થયેલ સમુદ્રના દ્વિપ જીવન અને અધ્યાત્મ સંબંધિત લેખ સંગ્રહ છે. અમાસથી પૂનમ ભણી (૧૯૭૭) એ તેમની આત્મકથા છે. કુમકુમ (૧૯૪૨) અને શર્વરી (૧૯૫૬) એ તેમના વાર્તાસંગ્રહો છે. ૧૯૫૫માં પ્રગટ થયેલી તેમની નવલકથા ધરતીની પુત્રીના કેન્દ્રબિંદુમાં સીતા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૦) એ તેમનો વિવેચન ગ્રંથ છે. આ ઉપરાંત, કબીર સંપ્રદાય (૧૯૩૭), તેમનો અભ્યાસ ગ્રંથ છે. તેમણે સમાજ સુધારક ધોન્ડો કેશવ કર્વેના આત્મચરિત્ર (૧૯૨૭)નો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. આ ઉપરાંત, ગરીબીની હાય (૧૯૩૦), જીવનનાં દર્દ (૧૯૩૦), સંસાર (૧૯૩૧), અંધાપો યાને ગામડિયો સમાજ (૧૯૩૩), કુમુદિની (૧૯૩૫), ભૈરવી (૧૯૩૫), પ્રેમાશ્રમ ભાગ ૧-૨ (૧૯૩૭), સંત કબીર (૧૯૪૭), ચિત્રલેખા (૧૯૫૭), અનાહત નાદ (૧૯૬૦) વગેરે તેમના મહત્ત્વના અનુવાદ ગ્રંથો છે. શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ અભિનંદન ગ્રંથ (૧૯૪૨, સહકાર્ય), પંચોતેરમે (૧૯૪૬), પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ (૧૯૬૯, સહકાર્ય), અરવિંદ ઘોષના પત્રો અને પ્રેમાનંદ સાહિત્ય સભા રજત મહોત્સવ ગ્રંથ એ તેમનાં કેટલાંક અગત્યના સંપાદનો છે. ૧૯૫૦માં તેમના પુસ્તક અમાસના તારા માટે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે

Showing all 2 results