Osho
95 Books / Date of Birth:- 11-12-1931 / Date of Death:- 19-01-1990
મધ્યપ્રદેશના કૂચવાડા ગામમાં જૈન પરિવારમાં ઓશો રજનીશનો જન્મ થયો હતો. પિતા, બાળપણથી જ, પોતે વિદ્રોહી વિચારધારા ધરાવતા હોવાથી સ્થાપિત હિતોનો અને અંધશ્રદ્ધાયુક્ત માનસ ધરાવતા ધર્મપંડિતો સાથે વારંવાર વિવાદ અને સંઘર્ષ થતો. નાનપણથી જ તેઓ નિયમિત ધ્યાન કરતા. આ રીતે અંગત સાધનાના પરિપાકરૂપે, 21મા વર્ષે સતત સાત દિવસ સમાધિની પૂર્વભૂમિકારૂપે ‘સતોરીનો’ અનુભવ ચાલુ રહ્યો અને 21મી માર્ચ 1953માં ‘સમાધિ’ - (બુદ્ધવ)નો અનુભવ થયો. 1974માં મુંબઈથી પુના આવ્યા અને એક આંતરરાષ્ટ્રીય આશ્રમની સ્થાપના થઈ. આશ્રમમાં રહી એમણે ધ્યાનની અનેક વિધિઓ શીખવવાની શરૂ કરી અને ધ્યાન, યોગ, તંત્ર, તાઓ, ઝેન, હસીદ, સૂફી અને બાઉલ જેવા ધર્મના અનેક માર્ગો પર પ્રકાશ પાડ્યો. પોતાનાં પ્રવચનોમાં એમણે મનુષ્યચેતનાના સમગ્ર વિકાસની વાત કરી છે. માનવચેતનાના ઇતિહાસમાં જેમનું પણ મહત્ત્વનું યોગદાન છે એ સર્વે બુદ્ધ પુરુષો પર ઓશો વિસ્તારથી અને પોતાના આગવા અર્થઘટન સાથે બોલ્યા. એમણે જે વક્તવ્યો આપ્યાં તેના 650થી વધુ દળદાર ગ્રંથો અને દસેક હજાર જેટલી હિન્દી-અંગ્રેજી ઓડીયોવીડિયો કૅસેટ બની. દુનિયાની લગભગ તમામ ભાષામાં આજે એમનાં પુસ્તકોનો અનુવાદ થઈ રહ્યો છે અને દર બીજા દિવસે એમનું એક પુસ્તક રિપ્રિન્ટ કરવું પડે એટલી બધી વિશ્વભરમાં એમના સાહિત્યની માગ છે. ધ્યાનની પૂર્વીય અંતર્દષ્ટિ તથા પશ્ચિમની સાઇકોથૅરાપીના સહયોગથી પૂના આશ્રમમાં અનેક જાતના ‘થૅરેપી ગ્રુપ’ (ચિકિત્સાસમૂહ) ચાલુ કરવામાં આવ્યા. 1981માં ઓશો અમેરિકા ગયા, જ્યાં અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં એક લાખ છવ્વીસ હજાર એકર જેટલી જમીન ખરીદી ત્યાં ધર્મ અને વિજ્ઞાનના સમન્વયવાળું એક આદર્શ નગર વસાવવાની શરૂઆત કરી. ‘રજનીશપુરમ્’ 126 ચોરસ માઇલના વિસ્તારમાં હતું જે ન્યુયૉર્ક શહેરથી ત્રણ ગણું હતું! આશ્ચર્યની વાત તો એ છે કે રજનીશપુરમ્ દુનિયાનું એકમાત્ર શહેર હતું જ્યાં દેશવિદેશની અનેક વ્યક્તિઓ વસતી હોવા છતાં ઘરમાં કોઈ તાળાં મારતું ન હતું! ઓશોના વિદ્રોહી અવાજને બંધ કરવાના એક માત્ર આશયથી 28 ઑક્ટોબર, 1985ના રોજ કોઈપણ અપરાધ કે વોરંટ વિના બાર બંધુકધારીઓની અણી પર ઓશોને ગિરફ્તાર કરવામાં આવ્યા. સતત બાર દિવસ સુધી જુદી જુદી જેલોમાં ફેરવતા રહી ત્યાં અપાતા આહારમાં જ થેલિયમ નામનું ઝેર ભેળવીને આપવામાં આવ્યું. 1986માં ઓશોએ વિશ્વભ્રમણ કર્યું. આ વિશ્વયાત્રા દરમિયાન એમણે 46000 માઇલનું આકાશી ઉડ્ડયન કર્યું. અમેરિકાના ઇશારે લગભગ 21 દેશોએ એમને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો અથવા તો થોડો સમય રહેવા દઈને નિષ્કાસિત કર્યા. વિશ્વભ્રમણ પછી છએક મહિના મુંબઈમાં અને ત્યાંથી ફરી પાછા પુના આશ્રમમાં રહ્યા. 19 જાન્યુઆરીમાં થેલિયમ ઝેરની અસરથી ક્ષીણ થયેલ શરીરને એમણે છોડી દીધું. આમ છતાં ઓશોના આગમન દ્વારા એક નવી ચિંતનધારાનો, ‘ઝોરબાધબુદ્ધા’ની શૈલીનો અને નવા યુગનો સૂત્રપાત થયો છે અને રોજેરોજ વિશ્વ આખામાં એમનાં જીવનદર્શન પ્રત્યેનો રસ વધતો જાય છે.

Showing 1–30 of 95 results