પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવયિત્રી અને લેખક છે.
તેમનો જન્મ થયો અમદાવાદમાં રમણલાલ અને કાંતાગૌરીને ત્યાં થયો હતો. તેમણે એસ.એસ.સી.નો અભ્યાસ શેઠ સી.એન. વિદ્યાલયમાં ૧૯૬૧માં પૂર્ણ કર્યો અને પછી ૧૯૬૫માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ.ની પદવી મેળવી. ૧૯૬૭માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યના વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. તેમણે એચ.કે. આર્ટસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ન્યૂ યોર્ક ગયા પછી ચંદન સેનગુપ્તા સાથે તેમનો પરિચય થયો અને તેમની સાથે લગ્ન કર્યા.
તેમણે 'અશક્ય' અને 'નામુમકિન' ઉપનામો હેઠળ સર્જન કર્યું છે.
પૂર્વ, તેમનું પ્રથમ પ્રવાસવર્ણન, ૧૯૮૬માં પ્રગટ થયું હતું, તેના પછી દિકદિગંત (૧૯૮૭), સૂરજ સંગે, દક્ષિણ પંથે, ઘરથી દૂરના ઘર, કિનારે કિનારે, ઉત્તરોત્તર, મન તો ચંપાનું ફૂલ, ધવલ આલોક, ધવલ અંધાર, અંતિમ ક્ષિતિજો, દૂરના આવે સાદ, દેશ-દેશાવર, નમણી વહે છે નદી, એક પંખીના પીંછા સાત, નૂરના કાફલા, દેવો સદા સમીપે, ખિલ્યા મારા પગલા, સૂતર સ્નેહના પ્રવાસ વર્ણનો પ્રગટ થયા છે. તેમના અંગ્રેજીમાં લખેલા પ્રવાસ વર્ણનોમાં માય જર્ની ટુ ધ મેગ્નેટિક નોર્થ પોલ, વ્હાઇટ ડેઝ વ્હાઇટ નાઇટ્સ અને જોય ઓફ ટ્રાવેલિંગ અલોન નો સમાવેશ થાય છે.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ જુઈનું ઝુમખું (ગીત સંગ્રહો અને ગઝલો) ૧૯૮૨માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ખંડિત આકાશ (૧૯૮૫, મુક્ત ગીતોનો સંગ્રહ) અને ઓ જુલિયટ પ્રગટ થયા હતા. એક સ્વપ્નનો રંગ તેમનો વાર્તા સંગ્રહ છે.
અવર ઇન્ડિયા તેમનું છબીકલા પરનું પુસ્તક છે. તેમણે તેમના અનુભવો નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વુમન, વ્હુ ડેર્સમાં વર્ણવ્યા છે.
૨૦૦૬માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેમને વિશ્વગુર્જરી પુરસ્કાર પણ મળેલો છે