બાળવાર્તાનાં સુપ્રસિદ્ધ વાર્તાકાર પુષ્પા અંતાણીનો જન્મ ચેન્નઈ (મદ્રાસ)માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મદ્રાસમાં લીધું, ગુજરાતી સાહિત્યના વિષયમાં B.A. સુધીનો અભ્યાસ ભુજ-કચ્છમાં કર્યો. ત્યાર બાદ આકાશવાણીના ભુજ કેન્દ્ર પર ત્યાંનાં પ્રથમ ઉદ્ઘોષક તરીકે જોડાયાં. આકાશવાણીની તેંત્રીસ વર્ષોની કારકિર્દી દરમિયાન એમણે ભુજ, વડોદરા અને અમદાવાદ કેન્દ્રો પર સેવા આપી. વર્ષ 1999માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. અત્યારે લેખનપ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે.એમણે આકાશવાણીના અન્ય કાર્યક્રમોની સાથે બાળકો અને મહિલાઓના કાર્યક્રમોનું ઘણાં વર્ષો સંચાલન કર્યું. એ આકાશવાણીના રેડિયો નાટકનાં ‘એ’ ગ્રેડનાં માન્ય કલાકાર છે. એમણે રંગભૂમિનાં નાટકોમાં પણ ભાગ લીધો છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ત્રિઅંકી નાટકોની સ્પર્ધામાં એમને શ્રેષ્ઠ મહિલા કલાકારનું બહુમાન મળ્યું પ્રાપ્ત થયું હતું.આકાશવાણી પર બાળકોના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ચાલતું હોય ત્યારે એ સ્ટુડિયોમાં ઉપસ્થિત બાળકો સમક્ષ તે જ વખતે નવીનવી બાળવાર્તાઓ બનાવીને રજૂ કરતાં હતાં. આગળ જતાં એ શોખ એમને બાળવાર્તાના સર્જન તરફ લઈ ગયો. અત્યાર સુધી એમના બાળવાર્તાઓના બાર સંગ્રહ પ્રકાશિત થયા છે. આ વાર્તાઓમાં બાળકોને રસ પડે એવા વિષયોએ વિશેષ ધ્યાન ખેંચ્યું છે. બાળકોની મનોસૃષ્ટિ, બાળસહજ જિજ્ઞાસા, બાળકોની કલ્પનાને ઉત્તેજે એવા વિષયો અને સરળ ભાષાશૈલી એમની વાર્તાઓનાં વિશિષ્ટ લક્ષણો છે. એથી પુષ્પાબહેનની બાળવાર્તાઓ ગુજરાતી બાળસાહિત્યમાં અલગ સ્થાન ધરાવે છે. એમની બાળવાર્તાઓ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનાં ગુજરાતી વિષયનાં પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામી છે.પુષ્પા અંતાણીના બાળવાર્તાસંગ્રહ ‘બંટીના સૂરજદાદા’ને વર્ષ 2016માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો ‘બાળસાહિત્ય પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એમના પ્રથમ સંગ્રહ ‘વાર્તાશોખીન જૂઈબહેન’ માટે ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર, દ્વારા વર્ષ 1993ના શ્રેષ્ઠ બાળવાર્તાસંગ્રહનું પારિતોષિક પ્રાપ્ત થયું છે, અન્ય સંગ્રહ ‘દેડકીનું બચ્ચું અને વિમાન’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 2007ના શ્રેષ્ઠ બાળવાર્તાસંગ્રહનું પારિતોષિક મળ્યું છે. એમની વાર્તાઓ બાળકોનાં હિન્દી સામયિકોમાં સ્થાન પામી છે. ‘બંટીના સૂરજદાદા’ સંગ્રહનો સાહિત્ય અકાદમી, દિલ્હી, દ્વારા હિન્દી અનુવાદ પ્રકાશિત થયો છે. ‘દેડકીનું બચ્ચું અને વિમાન’ની વાર્તાઓના હિન્દી અનુવાદનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. આ લેખિકા માને છે કે બાળવાર્તાઓ વાંચવા કરતાં બાળકોને કહી સંભળાવવાની કળા છે. એમણે એમની ઘણી બાળવાર્તાઓના પઠનના વિડિયો YouTube પર મૂકયા છે. એમાંથી બાળવાર્તાની આકર્ષક રજૂઆત કરવાની કળાના ઉત્તમ નમૂના મળે છે અને બાળકોમાં બાળસાહિત્ય પ્રત્યે રસરુચિ જાગે છે.