Raam Mori
4 Books / Date of Birth:- 02-02-1993
રામ મોરી (જન્મ ૧૯૯૩) એ ગુજરાતના ટૂંકી વાર્તા લેખક, પટકથા લેખક અને કટારલેખક છે, જેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગ્રામીણ જીવનને દર્શાવતી ટૂંકી વાર્તાઓ માટે જાણીતા છે. મહોતું અને કોફી સ્ટોરીઝ  તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે, મહોતું પુસ્તકને સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર (૨૦૧૭) પ્રાપ્ત થયો હતો. તેમનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૯૯૩ ના દિવસે સિહોર, ગુજરાતના એક ગામ મોટા સુરકામાં થયો છે. તેમનામાતાપિતાનું નામ તેજલબા અને ભાવસંગભાઈ મોરી છે. તેમનો પરિવાર પાલીતાણા નજીકના ગામ લાખાવાડનો વતની છે. તેમણે ફેબ્રિકેશન એન્જિનિયરિંગમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તેમણે ૧૭ વર્ષની ઉંમરે ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની વાર્તાઓ શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ, એતાદ, તથાપિ અને શબ્દસાર જેવા ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત કરવામાં આવી છે. તેમણે પહેલા TV9 ગુજરાત સાથે કામ કર્યું અને પછી કલર્સ ગુજરાતીમાં જોડાયા. તેઓ વિજયગીરી ફિલ્મસ્ સાથે પણ કામ કરે છે. તેમણે દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કલમ "મુકામ વાર્તા" અને મુંબઇ સમાચાર "ધ કન્ફેશન બોક્ષ" લખી હતી. તેમણે ગુજરાતી મેગેઝિન કોકટેલ જિંદગીઅને #We, ફુલછાબમાં લવ યુ જિંદગી જેવી કટારો લખી છે. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)માં તેઓએ મુલાકાતી શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ૨૦૧૬માં, તેમનો લઘુ વાર્તાસંગ્રહ મહોતું પ્રકાશિત થયો, જેને રઘુવીર ચૌધરી અને કિરીટ દુધાત સહિતના ગુજરાતી લેખકો અને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યા. તેમની ટૂંકી વાર્તાઓ સૌરાષ્ટ્રની ગ્રામીણ મહિલાઓની આસપાસ કેન્દ્રિત છે. તેમનો બીજો ટૂંકી વાર્તા સંગ્રહ, કોફી સ્ટોરીઝ્, ડિસેમ્બર ૨૦૧૮ માં પ્રકાશિત થયો. તેમનું ત્રીજું પુસ્તક કન્ફેશન બોક્સ નામનો પત્ર વાર્તાઓનો સંગહ હતો જે ઑગસ્ટ ૨૦૨૦માં બહાર પડ્યો. વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ "મોન્ટુની બીટ્ટુ" થી તેમણે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કર્યું. મોન્ટુ ની બીટ્ટુ પછી, તેમણે બે ગુજરાતી ફિલ્મો લખી હતી: દર્શન અશ્વિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત, મારા પપ્પા સુપરહીરો અને વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શિત એકવીસમું ટિફિન. આ બંને ફિલ્મો લગભગ ૨૦૨૧માં રજૂ થવાની છે. દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા તેમને ૨૦૧૬ માં ઑલ ઇન્ડિયન યંગ રાઇટર્સ મીટમાં આમંત્રણ અપાયું હતું. ૨૦૧૭ માં, તેમની કૃતિ મહોતું માટે તેમણે ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર મેળવ્યો ૨૦૧૮માં, ભારતીય ભાષા પરિષદે તેમને યુવા પુરસ્કારથી નવાજ્યા. તે જ વર્ષે, તેમને નાનાભાઇ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર (૨૦૧૭) પણ મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને તેમના પુસ્તક મહોતું માટે વર્ષ ૨૦૧૬માં ત્રીજું ઇનામ મળ્યું હતું.

Showing all 4 results