Ratilal S. Nayak
9 Books / Date of Birth:- 01-08-1922 / Date of Death:- 28-01-2015
શબ્દકોશકાર, બાળસાહિત્યકાર, અધ્યાપક અને વિવેચક રતિલાલ સાંકળચંદ કડી સર્વ વિદ્યાલય શાળાના શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. પછી અમદાવાદની બી.ડી. આર્ટસ કૉલેજમાં ૧૯૬૫ સુધી પાંચ વર્ષ અને ભવન્સ કૉલેજમાં સત્તર વર્ષ ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યાપન કર્યું. રતિલાલભાઈને બાળસાહિત્ય માટે રાષ્ટ્રીય પારિતોષિકો સહિત દસથી વધુ સન્માન મળ્યાં હતાં. ‘સાક્ષરનો સાક્ષાત્કાર-૩’(૧૯૯૯)માં રાધેશ્યામ શર્મા નોંધે છે : ‘તે મૂળે રહ્યા બાળસાહિત્યકાર. સો જેટલાં પ્રકાશનોના લેખક-સંપાદક-સંયોજક રતિલાલને કીર્તિની ફરફરતી ધજા જોવા મળી ‘કૉમિક બુક્સ’ મલ્ટીકલર ચિત્રાદિથી વિભૂષિત બાળપુસ્તકોથી ! મૂળશંકર-નાનાભાઈ સમા સુ-ભટ્ટોના ચીલે બાળરામાયણ, બાળમહાભારત, દશાવતાર, પંચતંત્રની વાતો, વિજ્ઞાનવિષયક ચોપડીઓ તેમ જ ‘આપણો રાષ્ટ્રધ્વજ’ જેવાં પ્રકાશનો વડે લેખકે બાળઘડતરનું કામ કરી દેખાડ્યું છે.’ પાઠ્યપુસ્તક મંડળની બારમા ધોરણ સુધીની ગુજરાતી વાચનમાળામાં ‘નાયકે ઉત્તમ સહાયક તરીકે કામગીરી બજાવી હતી’ એમ પણ રાધેશ્યામ નોંધે છે. ‘અક્ષરયાત્રા’, ‘વિવેચનની વાટે’ અને ‘બાળસાહિત્ય : સ્વરૂપ અને સર્જન’ સમીક્ષા-સંચયો છે. વળી  મધ્યકાલીન અને સુધારક યુગના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તેમ જ ‘વસંતવિલાસ’, ‘ઓખાહરણ’ અને ‘સુદામાચરિત’ જેવી કૃતિઓનાં સુવાંગ સંપાદનો તેમણે વિદ્યાર્થીઓ તેમ જ વિદ્વાનો બંનેને  ઉપયોગી  બને તે રીતે આપ્યાં છે. ‘વિજ્ઞાનકથા’ નામના મજાના પુસ્તકમાં તેમણે અક્ષરો, કાગળ, પેન્સિલથી લઈને અણુશક્તિ, કૃત્રિમ ઉપગ્રહો અને રૉકેટની શોધકથાઓ લખી છે. તેમાં વચ્ચે  સિનેમા અને સરકસના સિંહની કથાઓ પણ આવી જાય છે. રતિલાલ સાં. નાયકનો ‘મોટો કોશ’ ઘણા કિસ્સામાં ગુજરાત વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ કરતાં વધુ ઉપયોગી લાગે છે, એ તેનું મહત્ત્વ છે. તે ૧૯૯૭માં પ્રસિદ્ધ થયો ત્યારે સાર્થની ૧૯૯૫ની છઠ્ઠી આવૃત્તિ બહાર પડી ચૂકી હતી. તે રતિલાલભાઈના નિરીક્ષણ અનુસાર ૧૯૬૭ની આવૃત્તિનું ‘પુનર્મુદ્રણ માત્ર’ હતી.  સાર્થમાંથી ઉપયોગી ઘટકો રતિલાલભાઈએ સ્વીકાર્યા.પણ સમય સાથે કદમ મિલાવવા માટેની અદ્યતનતા, અને કહો કે, તાજગી એમણે એમના મોટા કોશને આપી. સંદર્ભપુસ્તકોને રંજકતા વિના આ પાસ આપવો મુશ્કેલ કામ હોય છે. સાતસો જેટલાં પાનાંના આ કોશના એકસો સોળ પાનાંનાં રસપ્રદ પરિશિષ્ટોમાં કહેવતો, રૂઢિપ્રયોગો, વિશેષનામ, લોકસાહિત્યના શબ્દો, તત્ત્વજ્ઞાન શબ્દાવલી, પૌરાણિક પાત્રો અને સ્થળનામોનો સમાવેશ થાય છે. ગુજરાતીમાં વપરાતા અંગ્રેજી શબ્દોની જોડણીનો વિભાગ કોશકારની દૃષ્ટિ બતાવે છે.