Sharifa Vijaliwala
9 Books / Date of Birth:- 04-08-1962
ઉત્તમ અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક શરીફા વીજળીવાળા સુરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. મેડિકલમાં સાત માર્ક ઓછા પડતાં એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. બી.ફાર્મ કરી પાંચ વર્ષ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરી. પરંતુ, ઘર મેળવવાની તકલીફને લીધે હોસ્ટેલના રેક્ટરની જવાબદારી સ્વીકારી અને હોંશે હોંશે બાર વર્ષ નિભાવી. અભ્યાસકાળ દરમ્યાન ઘર ન હોવાથી હોસ્ટેલમાં રહેવા મળે એટલે જ ગુજરાતી અને મેથ્સ સાથે બી.એ. કરવાનું નક્કી કર્યું. ગુજરાતી વિષયમાં રસ વધતો ગયો ને પછી એમ.એ., બી.એડ. અને પી.એચડી પણ કર્યું. કૉલેજના પાંચ વર્ષમાં એકેય વાર ક્લાસ અટેન્ડ ન કરવા છતાં હંમેશાં તેઓ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યાં છે. વીસમી સદીનાં શ્રેષ્ઠ ૧૨૫ ગુજરાતી પુસ્તકોમાં એમનું પુસ્તક ‘શતરૂપા’ સ્થાન પામ્યું છે. સ્પાઈનલ કોર્ડની તકલીફને કારણે છેલ્લાં વીસ વર્ષથી ચોવીસે કલાક પીઠની પીડા સહન કરતાં શરીફાબહેનનો જુસ્સો અને લેખન પ્રત્યેનો ઉત્સાહ આજેય બરકરાર છે, તેઓ કહે છે કે ‘હું શરીરથી ક્યાં જીવું છું, મનથી જ જીવું છું.’ ‘વિભાજનની વ્યથા’ પુસ્તક માટે તેમણે સાહિત્ય અકાદમી દિલ્હીનો ઍવોર્ડ મળ્યો છે. સાહિત્ય પરિષદ સહિત અનેક પુરસ્કાર મળી ચૂકેલા છે.